તાજા સમાચાર
🔥 માય ગુજરાત ન્યૂઝ પર આપનું સ્વાગત છે... | 📝 નવી સરકારી યોજનાઓની માહિતી માટે જોડાયેલા રહો... | 📲 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો...

બાંકે બિહારી મંદિરમાં મર્યાદા લોપાઈ: VIP પરિસરમાં યુગલે કરી સગાઈ, વીડિયો વાયરલ થતા ભક્તોમાં ભારે રોષ

મથુરા-વૃંદાવન: વિશ્વપ્રસિદ્ધ ઠાકુર બાંકે બિહારી મંદિરમાં ફરી એકવાર ધાર્મિક મર્યાદાના લીરેલીરા ઉડતી ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં એક યુગલ મંદિરના અતિ સુરક્ષિત ગણાતા VIP પરિસરમાં સગાઈ (રિંગ સેરેમની) કરતું જોવા મળી રહ્યું છે. આ ઘટનાને પગલે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને મંદિરના વહીવટી તંત્ર સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સે મંદિરને બનાવ્યું શૂટિંગ લોકેશન?

મળતી માહિતી મુજબ, વીડિયોમાં દેખાતું યુગલ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હોવાનું મનાય છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક અને યુવતી એકબીજાને વીંટી પહેરાવી રહ્યા છે અને ત્યારબાદ હારતોરો (વરમાળા) કરી રહ્યા છે. જે સમયે મંદિરમાં હજારો ભક્તોની ભીડ ઉમટી હોય છે, તેવા સમયે VIP સુવિધાનો લાભ લઈને આ પ્રકારના ખાનગી આયોજનને મંજૂરી કેવી રીતે મળી, તે હવે તપાસનો વિષય બન્યો છે. ઘણા ભક્તોએ આ કૃત્યને ધાર્મિક આસ્થાનું અપમાન અને મંદિરની ગરિમા વિરુદ્ધ ગણાવ્યું છે.

પૂજારીની હાજરીથી વિવાદ વધુ ઘેરો બન્યો

આ વીડિયોની સૌથી ચોંકાવનારી બાબત એ છે કે તેમાં મંદિરના એક ગોસ્વામી (પૂજારી) પણ હાજર દેખાય છે, જે આ યુગલને આશીર્વાદ આપી રહ્યા છે. જોકે, આ બાબતે વિવાદ વધતા પૂજારીએ પોતાની સંડોવણીનો ઈન્કાર કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, “તેઓ માત્ર ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને જ્યારે યુગલે આશીર્વાદ માંગ્યા ત્યારે પરંપરા મુજબ તેમણે આશીર્વાદ આપ્યા હતા, આ આયોજન સાથે તેમને કોઈ લેવાદેવા નથી.”

મંદિર સમિતિ એક્શનમાં: VIP કલ્ચર પર ઉઠ્યા સવાલ

બાંકે બિહારી મંદિરની હાઈ-પાવર સમિતિના સભ્ય દિનેશ ગોસ્વામીએ આ ઘટનાની ગંભીરતા નોંધતા જણાવ્યું છે કે, આગામી બેઠકમાં આ મુદ્દે વિગતવાર ચર્ચા કરવામાં આવશે અને જે પણ જવાબદાર હશે તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

નોંધનીય છે કે, બાંકે બિહારી મંદિરમાં VIP કલ્ચર અને અવ્યવસ્થાને લઈને અગાઉ પણ અનેક વિવાદો સર્જાયા છે. અગાઉ પણ આવા વીડિયો સામે આવ્યા હોવા છતાં, ફરી એકવાર આવી ઘટનાનું પુનરાવર્તન થતા મંદિરના સુરક્ષા અને દેખરેખ તંત્ર પર શ્રદ્ધાળુઓ ફિટકાર વર્ષાવી રહ્યા છે. ભક્તોની માંગ છે કે પવિત્ર ધામમાં આવી અંગત પ્રવૃત્તિઓ પર કાયમી પ્રતિબંધ મુકવો જોઈએ જેથી મંદિરની પવિત્રતા જળવાઈ રહે.

Leave a Comment

🏠 Home 📰 News 📜 Yojana
New
💬 Join Us